Ad Code

Diwali Nibandh std 1-10

                         દિવાળી નિબંધ



દિવાળી આવી, દિવાળી આવી, 

નવા વરસની વધાઈ લાવી. 


આપણે વર્ષ દરમિયાન અનેક તહેવારો ઊજવીએ છીએ. દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. તે 'તહેવારોનો રાજા' ગણાય છે.


આસો મહિનો એટલે તહેવારોનો મહિનો. નવરાત્રિ, દશેરા, શરદપૂનમ પછી દિવાળીનો તહેવાર આવે છે. આસો માસની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે. લોકો ઘરોની સફાઈ કરે છે, ઘરોને રંગરોગાન કરાવે છે. લોકો નવાં કપડાં, ફટાકડા અને બીજી સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે. બજારોમાં દુકાનો રોશનીથી ઝળહળી ઊઠે છે.


દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છેઃ ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. લોકો અગિયારસના દિવસથી જ આંગણામાં ઘી-તેલના દીવા પ્રગટાવવા શરૂ કરી દે છે. ધનતેરસના દિવસે ધનની પૂજા થાય છે. 

           કાળીચૌદસના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. લોકો તેની ખુશાલી મનાવે છે. કાળીચૌદસના દિવસે કાળીમાતાનું પૂજન કરવામાં આવે છે. 

દિવાળીના દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે. તે વર્ષનો છેલ્લો દિવસ છે.લોકો ઊઠી તૈયાર થઈ દેવદર્શને જાય છે. મિત્રો અને સગાંવહાલાંને મળીને ‘સાલમુબારક' કહે છે. લોકો દિવાળી કાર્ડ મોકલે છે. હવે તો ‘વૉટસઍપ' પર શુભેચ્છા સંદેશની આપ-લે થાય છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને ભાવતાં ભોજન બનાવી જમાડે છે. ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે.


દિવાળીના દિવસોમાં સઘળે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હોય છે. લોકો નવી નવી વાનગીઓ આરોગે છે, નવાં નવાં કપડાં પહેરે છે અને ફટાકડા ફોડે છે. લોકો પોતાનાં ઘરો અને દુકાનો રોશની કરે છે.


દિવાળી માફ કરો અને ભૂલી જવાની ભાવના વિકસાવવાનો તહેવાર છે. આપણે સૌને પ્રેમથી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઘરની સફાઈની જેમ મનની સફાઈ પણ કરીએ છીએ. દિવાળી અંતરનો અંધકાર ભગાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે.


Close Menu